Friday, December 28, 2007

bharat chhodo

સન ચાલીસને અંતે ગાંધીએ ભાવથી ભર્યો
સત્યાગ્રહ વળી પાછો વ્યક્તિગત મહા કર્યો.
ક્રિપ્સની યોજના કેરો કર્યો સ્વીકાર લેશ ના,
એમને યોજના લાગી નવ દેશહિતમાં.

કારોબારી તણા સભ્યો મળી વર્ધા મહીં ફરી
પ્રસ્તાવ 'હિંદ છોડો'નો જુસ્સા સાથ રહ્યા કરી.
ધની સાક્ષર ને અજ્ઞ રંક ઐશ્વર્યવાન સૌ
બન્યા અધીર કરવા શ્રેય સંપૂર્ણ રાષ્ટ્રનું.

ભેદભાવ વિસારીને ફગાવીને કુસંપને
પુરુષાર્થ કર્યો સૌએ જીતવા મુક્તિજંગને.
સ્વદેશપ્રેમના કેવા નિનાદો ગાજતા બધે,
ત્યાગ સ્વાર્પણના ભાવો જાગતા સર્વની રગે;

વિરાટકાય આખોયે દેશ પૂર્ણ પ્રબોધની
લભી સૌરભને ઊઠ્યો ઝંખતા મુક્તિની ઘડી.
રાષ્ટ્રગીત તણા ઘોષો પ્રસરી સઘળે રહ્યા,
ચરાચર નવા પ્રાણે સમન્વિત રસે થયા.
*
બેતાલીસ સને આવી એમ ઑગષ્ટ આઠમી
મળી કોંગ્રેસ ત્યારે તે જનતાને ગઈ ગમી
મુંબાઈમાં મળેલી કોંગ્રેસે ભાવનાભર્યો
ઠરાવ સ્તુત્ય ઉત્સાહે 'છોડો ભારત'નો કર્યો.

કહ્યું અંગ્રેજ સત્તાને છોડી ભારતને જવા
સ્વાતંત્ર્યજંગમાં સ્નેહે સહાયક વળી થવા.
સરકારે દબાવી દેવાને માગણી કરી
અભૂતપૂર્વ વર્ષાવી યાતનાવૃષ્ટિ આસુરી,

ગાંધીને અન્ય નેતાને બંધ જેલ મહીં કર્યા,
સ્વદેશ કાજ કષ્ટો વેઠતાં લેશ ના ડર્યાં.

વ્યથિત લોચનથી વહી કૈં અશ્રુની સરિતા,
કરી કંપિત કાળજાંએ કરુણ કૈં કવિતા,
સહ્યું કૈંયે પ્રાર્થના આતુર અનંત કરી,
મનીષા માનવ તણી ના બની મંદ મરી.

કારાવાસપ્રવેશની વિગત સૌ ગાંધી તણી મેળવી
તોફાને જનતા ચઢી સરિતના વર્ષર્તુના વારિ શી
ભારે તીવ્ર પ્રતિક્રિયા અનુભવી, તૂટી પડ્યું આભ હો
એવી અસ્થિર શી બની, સુભાશિષ ધરી સંતે સુસાફલ્યની.

કષ્ટો સર્વ તણાં વરો સફળતા, ગાંધી અને અન્યના
યત્નો પૂર્ણ બનો, મટો દિવસ સૌ સંતાપ દુર્દૈન્યના;
તંદ્રા સંયુક્ત પદ્મપે રવિ ફરી સંજીવની રેલજો,
પ્યારો ભારત દેશ મુક્ત બનજો, સમૃદ્ધિશાળી થજો.

દૈવી સંસ્કૃતિના મહાશિખરપે આસીન અંતે થઈ
સેવાપ્રેમ પ્રશાંતિમંત્ર મધુરા માંગલ્ય કેરા દઈ
સૃષ્ટિતાપ શમાવનાર રસની સ્વર્ગીય વર્ષા હજો,
પ્યારો ભારત દેશ મુક્ત બનજો, સંપત્તિશાળી થજો.

સંસારના સકળ દેશ સ્વતંત્ર થાઓ
કોઈ ગુલામ નવ હો રહો પછાત,
સમુદ્ધિ-સંપ-સહકાર પથે કરો સૌ
યાત્રા; પ્રશાંત પ્રકટો પુનિત પ્રભાત !

No comments:

Post a Comment